Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
જીવનનાં વહેણ કાળની અમીત ગર્ભરાશી તરફ વહે જતાં હોય છે. આ જીવનકાળ દરમ્યાન માનવીને અનેક પ્રકારની તડકી છાંયડી અનુભવવી પડે છે. આમ છતાંય, માનવી એની અનેક વૈજ્ઞાનિક અને વૈભવશાળી પ્રવૃતિઓ દ્વારા કુદરતને આંબવાના પ્રયત્નો કરતો હોય છે. પરંતુ આ પ્રયત્નો કેટલાક ક્ષેત્રોમાં હંમેશા ટૂંકા પડ્યા છે. માનવી એના ભાવિનો ભેદ સમજવામાં સદંતર નિષ્ફળ ગયો છે. અને હુંયે માનવી જ છું ને! મારો માર્ગ એ સર્વસામાન્ય માર્ગથી જુદો કેવી રીતે સંભવે? સ્વપ્નેય નહિ ધારેલું કોલેજ જીવન એના પ્રકાશપૂર રેલાવે તે પહેલાંજ ઓચિંતાનું ઓસરી ગયું અને બહુ વગોવાયેલી પ્રાથમિક શાળાની ’પંતુજીગીરી’ પનારે પડી ત્યારે આ સત્યનો સ્વીકાર ક્યાં અસત્ય નીવડ્યો? એ સમયના ’ખોરજ’ ગામના ગોળથી એ ગળ્યા માનવીઓએ નોકરીના અણગમાને ગમામાં પલટાવવાનું ભગીરથ કાર્ય કર્યું અને એક આદર્શ શિક્ષક બનવાની પ્રેરણા આપી. પરંતુ, જીવનમાં આવી પડેલી આપદાઓથી આત્માની તૃષા વણસંતોષાયેલી જ બુઝાઈ ગયી. મદદના મિનારા કાચા પાયાના સાબિત થયા. પણ માનવી એની ભગ્ન આશાઓ વચ્ચે પણ ક્યારેય અટૂલો રહ્યો છે? સ્નેહીઓ મિત્રોએ જ્યોતના ઝાંખા પડતા પ્રકાશને સતેજ કર્યો. અવાસ્તવિક્તાને ઓથાર ઉતરતાં સાચી વાસ્તવિક્તાની દુનિયા નજર સામે ઊભી રહી. પણ એની સાથે દિલમાં એક જુદી જ ઝંખના જાગૃત થઈ. એણે જ મનને એક જુદી જ વાટનું વટેમાર્ગુ બનાવ્યું. એ વાટ હતી આત્મખોજની. આ ખોજે દિલમાં એક ગણગણાટ શરૂ કરાવ્યો અને એ જ આ મારી થોડીક કૃતિઓના સર્જનની પાછળ આવીને ઊભો. તેથી જ આમાં મનમાં ચાલતા રહેતા ઘર્ષણનાં દર્શન થાય તેમ છે. આમ, જીવનના દુઃખદ અનુભવોમાંથી જન્મેલાં આ કવનબાળોનો ગુંજારવ એ મારા અંતરમનનું ઉત્તમ કાર્ય બન્યું છે અને એજ મારી જીવન ચેતનાને એની છેલ્લી પળ સુધી જાગૃત રાખે એટલી અભિલાષા રાખું છું.